ગુજરાતમાં લાંબા સયમથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું કોકડું ગુંચવાયેલું છે, ત્યારે મહિનાઓ સુધી મંથન ચાલ્યા બાદ પણ કોઈ ચોક્કસ નામ પર પ્રદેશ પ્રમુખ તરીકે મોહર લાગી નથી. જોકે, પ્રદેશ પ્રમુખ પદ માટે દિપક બાબરીયાનું નામ નક્કી માનવામાં આવે છે. આ સાથે કોંગ્રેસ દ્વારા વિધાનસભા વિપક્ષ નેતાના નામની પણ જાહેરાત થઈ શકે છે. એવામાં કોંગ્રેસમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

જોકે, દિપક બાબરીયા નામ સામે ગુજરાત કોંગ્રેસમાં એક જુથ વિરોધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હવે હાઇકમાન્ડ કેવો નિર્ણય કરે છે, તેના પર સૌની નજરે રહેલી છે. મહત્વનું છે કે, આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાનું નામ જાહેર થઈ શકે છે, ત્યારે કાર્યકર્તાઓ પણ દ્રિદ્યામાં મુકાઈ ગયા છે કે, આખરી મોહર કોના નામ પર વાગશે. મહત્વનું છે કે, દોઢેક મહિના પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે રાજસ્થાન મંત્રી ડો. રઘુ શર્માની વરણી કરવામાં આવી હતી. ડો. શર્માના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં નવી સંજીવની ફૂંકાવાની વાતને વેગ મળ્યો હતો. ગતરોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તો દિપક બાબરિયાએ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાતોનો દોર શરુ કરતા નવા પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બાબરીયાનું નામ ફાયનલ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, પ્રમુખની રેસમાં જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલનું નામ પણ ચર્ચામાં છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તેવા અહેવાલો મળી રહ્યા છે.