દિલ્હી: કોરોનાના વધતાં કેસના પગલે રાજધાનીમાં એક સપ્તાહના લોકડાઉનની જાહેરાત

New Update
દિલ્હી: કોરોનાના વધતાં કેસના પગલે રાજધાનીમાં એક સપ્તાહના લોકડાઉનની જાહેરાત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરતાં દિલ્હીમાં કોરોના કરફ્યુની જાહેરાત કરી છે. આજે રાત્રે 10 વાગ્યાથી આવતા સોમવાર એટલે કે 26 એપ્રિલ સુધી દિલ્હીમાં કરફ્યુ રહેશે. અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથેની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બેઠકમાં દિલ્હીની કોરોના સંક્રમણની સ્થિતિને લઈ આકરા નિર્ણય લેવામાં આવ્યા છે.
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રવિવારે રાજધાનીમાં કોવિડ-19 (Covid-19)ના 25,462 નવા કેસ સામે આવ્યા. બીમારીની ઝપટમાં આવીને 161 લોકોના મોત થયા. આ ઉપરાંત દિલ્હીમાં પોઝિટિવિટી રેટ  વધીને 29.74 ટકા સુધી પહોંચી ગયો છે. આ આંકડાઓને જોતાં કેજરીવાલ સરકાર આગામી એક સપ્તાહ માટે કોરોના કર્ફ્યૂ લાગુ કરવાનો લઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી હતી. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ જોઈએ તો ગત 24 કલાકમાં રાજધાનીમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 74,941 થઈ ગઈ છે.

આ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંક્રમણની ઝડપને જોતાં કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી કે દિલ્હીની તમામ ખાનગી હૉસ્પિટલ અને નર્સિંગ હોમ જે કોવિડનો ઉપચાર ઉપલબ્ધ કરાવી રહી છે, તેમાં 80 ટકા પથારી કોવિડ દર્દીઓ માટે અનામત કરી દેવામાં આવે. આ ઉપરાંત સરકારે દર્દીઓની સારવાર માટે ઓક્સીજનના સપ્લાય વધારવાની માંગ કરી હતી. તેઓએ દિલ્હીના કોટાનો ઓક્સીજન બીજા રાજ્યોને મોકલવાનો પણ આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજધાનીમાં જે ઝડપથી કોરોનાના દર્દી સામે આવી રહ્યા છે, તેને જોતાં ઓક્સિજન સપ્લાય વધારવો જોઈતો હતો. પરંતુ દિલ્હીમાં ઓક્સીજનનો સપ્લાય ઘટાડવામાં આવ્યો છે.  

Latest Stories