• ભરૂચમાં પદયાત્રાનું આયોજન

  • ગૌ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • પાંજરાપોળથી કલેકટર કચેરી સુધી પદયાત્રા

  • ગાય માતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા માંગ

ભરૂચ ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ સાથે  ગૌપ્રેમીઓ  અને ગરુડ સેના દ્વારા  પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં ગૌરક્ષા અને સન્માન મિશન અંતર્ગત ભરૂચ સમસ્ત ગૌ પ્રેમી મંડળ અને ગરુડ સેના સહિતના સંગઠનો દ્વારા ગૌ માતાના સંરક્ષણ અને ગૌશાળાઓના વિકાસ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા ભરૂચ પાંજરાપોળ ખાતેથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગૌપ્રેમીઓ જોડાયા હતા.પદયાત્રા દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ સાથે ગૌ માતાના સંરક્ષણ, ગોચર જમીનોના સુધારણા અને ગૌશાળાઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જેવી વિવિધ માંગણીઓ ઉઠાવવામાં આવી હતી.
ગૌ માતાના જતન અને સંવર્ધન માટે સરકાર વધુ અસરકારક પગલાં ભરે તેવી માંગ પણ કરવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, શાંતિલાલ શ્રોફ, કોંગ્રેસના નગર સેવક જીગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો જોડાયા હતા. પદયાત્રા પૂર્ણ થયા બાદ ગૌપ્રેમી મંડળના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.