/connect-gujarat/media/media_files/2025/03/05/2FDGKRtHHfA5B658VJU3.jpg)
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા-2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. નિર્ણય મુજબ અમરનાથ યત્રા 3જી જુલાઈ-2025થી શરૂ થશે અને 39 દિવસ સુધી યાત્રા ચાલશે, એટલે કે રક્ષાબંધનના પર્વ પર સંપન્ન થશે.
અમરનાથ યાત્રાની તારીખો જાહેર થયા બાદ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન માટે આ પડકારજનક યાત્રા કરતા હોય છે. બોર્ડની જાહેરાત મુજબ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે. આ યાત્રામાં જતા પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે.
અમરનાથ ગુફા કાશ્મીર હિમાલયમાં દરિયાઈ સપાટીથી 3888 મીટરની ઉંચાઈ પર આવેલી છે. ભક્તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ અથવા ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચતા હોય છે.
જો પરંપરાગત પહેલગામનો રૂટ લેવામાં આવે તો 48 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. જેથી ગુફા મંદિર સુધી પહોંચવામાં ચારથી પાંચ દિવસ લાગે છે. જ્યારે બાલટાલ રૂટ દ્વારા મુસાફરી કરવામાં આવે તો 14 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાઓ ગુફા મંદિરના દર્શન કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે.