શક્તિ, ભક્તિ અને આસ્થાનું પર્વ એટલે આસો નવરાત્રિ
આસો નવરાત્રિનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો
પાવાગઢ સ્થિત મહાકાળી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર
નવરાત્રિના પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
એક લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કરી ધન્યતા અનુભવી
શક્તિ, ભક્તિ અને આસ્થાનું પર્વ આસો નવરાત્રિનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે માઁ આદ્યશક્તિના આરાધનાના પર્વ આસો નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે 51 શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતું પંચમહાલ જિલ્લાનું તીર્થધામ પાવાગઢ મહાકાળી મંદિર માઈભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં નવરાત્રિના પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
મહાકાળી માતાના મંદિરે વહેલી સવારથી જ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતભરના અનેક શહેરોમાંથી યાત્રાળુઓ અહી આવતા હોય છે, ત્યારે નિજમંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર પરિસર માતાજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું.