મકરસંક્રાંતિ પર્વમાં ગૌપૂજનનું છે વિશેષ મહત્વ
પાંજરાપોળ ખાતે ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર
પાવન અવસરે ગૌપૂજન કરતા શ્રદ્ધાળુઓ
NRI શ્રદ્ધાળુઓએ પણ કર્યું ગૌપૂજન
ગાય માતાને લીલુ ઘાસ અર્પણ કરતા ભક્તો
ભરૂચના પાંજરાપોળ ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે ગૌપુજા માટે ભક્તો ઉમટી પડ્યા હતા,અને ગાય માતાને લીલુ ઘાસ તેમજ ઘુઘરી ખવડાવીને શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સૂર્ય દેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકરસંક્રાંતિ.આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે.આજે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે.
ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા. સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે.મકરસંક્રાંતિ એક ઋતુ પર્વ છે, જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે, એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે, એટલે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્યપૂજા, ખીચડી અને તલ-ગોળનું સેવન કરવાની પરંપરા છે.
કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે, સાથે જ ઉતરાયણ પર્વે મંદિરમાં દર્શન કર્યા બાદ દાન આપવાની પણ એક માન્યતા હોય છે ત્યારે આજરોજ શક્તિનાથ મંદિરે ભક્તોએ પૂજન અર્ચન કરી દાન આપીને ધન્યતા અનુભવી હતી. પાંજરાપોળ ખાતે સ્થાનિક ભક્તો ઉપરાંતNRI ભક્તોએ પણ ગૌપૂજનનો લ્હાવો લીધો હતો,અને ગૌપૂજન કરીને ધન્યતા અનુભવી હતી.