-
હોળીના પર્વને ગણતરીનો સમય બાકી
-
ભરૂચમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું
-
ગૌ સ્ટીકથી હોળી પ્રગટાવવામાં આવે છે
-
25 ટન ગૌ સ્ટીકનું વેચાણ
-
લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો
આજના સમયમાં દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે ત્યારે હોળીના તહેવારમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું છે જેના કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.વૈદિક હોળીના કારણે પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહે છે.
હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે. આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આરે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે. આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે.
ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટીકથી હોળી પ્રગટાવવામાં આવે છે ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલી છે.આ પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે ત્યાતે ગાયના છાણાનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે. આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌ સ્ટીક બનાવવાનું મશીન પણ દાનમાં આપવામાં આવ્યું છે જેમાંથી ગૌ સ્ટીક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ તરફ ભરૂચના સચ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટીકનું વેચાણ કરવામાં આવ્યું છે ત્યારે ઠેર ઠેર વૈદીક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે.
વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પર જોવા મળી રહી છે.ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ તેમજ સોસાયટી વચ્ચે સામુહિક એક જ હોળી, પ્રાકૃતિક, વૈદિક હોળીના છેલ્લા 4થી 5 વર્ષથી વધતાં ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે.
આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી દિપક તાપિયાવાલાએ જણાવ્યુ હતું કે લાકડાનો ભાવ વધ્યો નથી તેની સામે હોળીની સંખ્યા વધી છે. છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે જેની પાછળ વૈદિક, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કરણભૂત છે.
વૈદિક હોળી દહનમાં ખાસ ગાયોના છાણાથી બનેલા ઉપલા, ઘી, ઔષધીઓનું તેલ, સાત જાતના ધાણ, કપૂર, ગૂગળ, સમીધો, પૂજાપો, ઘાસ, નારિયેળનો ઉપયોગ થાય છે.આ તમામ વસ્તુઓ ઔષધીય ગુણો ધરાવે છે. આ તમામ વસ્તુઓનો જ્યારે વૈદિક હોળીમાં દહન થાય છે ત્યારે એવા તત્વો બહાર આવે છે જે વાતાવરણ માટે ગુણકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે ત્યારે વૈદિક હોળી પ્રગટાવવી હિતાવહ છે.