ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતી નિમિત્તે ઝઘડીયા પંથકમાં ગામેગામ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આજરોજ ગુમાનદેવ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ઝઘડિયા રાજપારડી, ઉમલ્લા, રાણીપુરા, મોટા સાજા, અસા, ઇન્દોર, વેલુગામ, પ્રાકડ, ગોવાલી, નૌગામા તથા ઝઘડિયા પંથકના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા મંદિરો અને આશ્રમો ખાતેના હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં શંખનાદ, ઘંટનાદ ની ધ્વનિ સાંભળવા મળી હતી.
આ ઉપરાંત ગુમાનદેવ, ઝઘડિયા, રતનપુર હનુમાનજી મંદિર, શાશ્વત મારુતિ ધામ મંદિર કૃષ્ણપુરી ખાતે ભંડાળાના આયોજન થયા હતા. ઝઘડિયાના રાજપુત ફળિયામાંથી શોભાયાત્રા નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી ઝઘડિયા હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે સમયાંતરે વિવિધ કાર્યક્રમો વર્તમાન મહંત મનમોહનદાસ દ્વારા કરવામાં આવતા હોય છે. ગુમાનદેવ હનુમાનજી મંદિરનો ઇતિહાસ છ સદીથી પણ વધુ પૌરાણિક છે અને એક સાધુને હનુમાનજી સ્વપ્નમાં આવી આ પ્રતિમાનું દિશા સૂચન કર્યું હતું અને તે મુજબ તેને તે શોધવા નીકળી પડ્યા હતા તે સમયે એક કપિલા ગાય પોતાના દૂધની ધારા વડે આ પ્રતિમા પર અભિષેક કરતી નજરે પડી હતી. ગુમાનીઓનું ગુમાન પોતાના હનુમાનજીનું નામ ગુમાનદેવ હનુમાનજી તરીકે પ્રચલિત થયું હતું જે આજે પણ દિવ્ય શક્તિમાન હોવાનું શ્રદ્ધાળુઓ માની રહ્યા છે.