ભરૂચ : ભોઇવાડમાં પરંપરાગત મેઘ મહોત્સવની ઉજવણી, છડીઓ ઝુલાવવામાં આવી

કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભોઇવાડમાં છડી ઝુલાવવામાં આવી હતી તેમજ શ્રધ્ધાળુઓએ મેઘરાજાના દર્શન કર્યા હતાં.

New Update
ભરૂચ : ભોઇવાડમાં પરંપરાગત મેઘ મહોત્સવની ઉજવણી, છડીઓ ઝુલાવવામાં આવી

ભરૂચમાં ભરાતો મેઘરાજાનો મેળો કોરોનાની મહામારીના કારણે ભલે મોકુફ રાખવામાં આવ્યો હોય પણ ભકતોની શ્રધ્ધા અકબંધ જોવા મળી છે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભોઇવાડમાં છડી ઝુલાવવામાં આવી હતી તેમજ શ્રધ્ધાળુઓએ મેઘરાજાના દર્શન કર્યા હતાં.

ભરૂચ શહેરમાં સાતમથી દશમ સુધી મેઘરાજાનો ભાતીગળ મેળો ભરાય છે. સમગ્ર વિશ્વમાં એક માત્ર ભરૂચ શહેરમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી તેની પુજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજની વાંસમાંથી બનાવેલી 30 ફુટ કરતાં વધારે ઉંચાઇની છડીઓ આર્કષણ જમાવતી હોય છે. ત્રણે સમાજના યુવાનો આ છડીને ઝુલાવતાં હોય છે. આ છડીઓનું જયારે મિલન થાય છે ત્યારે વાતાવરણ આહલાદક બની જાય છે પણ છેલ્લા બે વર્ષથી મેઘરાજાનો મેળો કોરોનાની મહામારીના કારણે ફીકકો પડી ગયો છે. ચાલુ વર્ષે સરકારે ગાઇડલાઇનના પાલનની સાથે તહેવારોની ઉજવણીની મંજુરી આપી છે. ભરૂચના ભોઇવાડમાં પરંપરાગત રીતે મેઘ ઉત્સવ તથા છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દશમના દિવસે મેઘરાજાની પ્રતિમાનું પાવન સલિલા મા નર્મદાના જળમાં વિસર્જન કરવામાં આવશે. મેઘરાજાના દર્શન માટે દર વર્ષે રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. મેઘરાજાની પ્રતિમાને નાના બાળકોને ભેટાવવાથી તેઓ તંદુરસ્ત અને નિરોગી રહેતા હોવાની લોકવાયકા છે.

Latest Stories