હરી અને હરની ભૂમી સોમનાથ તીર્થમાં આજે અધિક પૂર્ણ પુરુષોત્તમ માસના અમાસના દિવસે પૂર્ણાહૂતી થઈ રહી છે. આ સાથે આજથી જ શિવ ઉપાસકો દ્વારા શિવ આરાધના અને અનુષ્ઠાનનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સોમનાથના ત્રિવેણી સંગમમાં સ્નાન અને દર્શન કરી શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધવા માટે ભારે માત્રામાં ઉમટ્યા હતા. હરિ અને હરના મિલનના દિવસે ત્રિવેણી સંગમ કે, જ્યાં હીરણ કપિલા અને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓનો સંગમ છે, ત્યાં ભારે માત્રામાં ભાવિકો તીર્થ સ્નાન કરવા માટે ઊમટ્યા છે. સંગમમાં સ્નાન કરી પિતૃ તર્પણ કરી અને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે.
આજે અનેક ભાવિકો પુરુષોત્તમ એટલે ભગવાન વિષ્ણુનો અધિક માસ મનાય છે, ત્યારે પોતાના મંદિરમાં સ્થાપિત લાલા બાલકૃષ્ણને લઈ તેમને પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવી ધન્ય બની રહ્યા હતા. સોમનાથ મંદિર તેમજ ત્રિવેણી સંગમ પર વહેલી સવારથી જ સ્થાનિક ઉપરાંત દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. અમાસ હોવાથી સૌપ્રથમ લોકો તીર્થસ્થાન અને પિતૃ તર્પણ કરતાં જોવા મળ્યા હતા. તો હરિની ભૂમિ એટલે ભગવાન કૃષ્ણએ પોતાનું નિજધામ ગમન કર્યું તેવા ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ બંનેની પૂજા અર્ચના કરી હતી.