ભગવાન જગન્નાથ અને રથયાત્રાની રસપ્રદ માહિતી

ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય.

New Update
રથયાત્રા

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં પણ આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.આ તહેવાર "રથયાત્રા" તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે.

આ તહેવાર "રથયાત્રા" તરીકે ઓળખાય છે.  પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે.

અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ યોજાય છે.

 આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે.

 સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે.અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

Latest Stories