/connect-gujarat/media/post_banners/eecf4e5a434ce3fc1b5b942333cf422db6daaac20f5a2eb41b559431548e67b9.jpg)
ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો ધારે તો શું ન કરી શકે, ત્યારે જામનગર ખાતે નાના બાળકોએ કમાલ કરી બતાવી છે. બાળકોએ બનાવેલો ગણપતિ પંડાલ જોઈ મોટા લોકો પણ મોમાં આંગળા નાખી રહ્યા છે. દેશભરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની વિવિધ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. વાત કરીએ, તો જામનગરના સત્ય સાઈ નગર ખાતે આવેલ મહાદેવ ચોક નજીક નાના ભૂલકાઓએ સોસાયટીના ઘરોમાંથી ફાળો એકત્ર કરી માટીના ગણેશનું સ્થાપન કર્યું છે. ગણેશ ઉત્સવની ઉજવણી દ્વારા મોટાઓ માટે અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સત્ય સાંઈ નગરના આ નાના બાળકોએ ઘરે ઘરે ફરી રૂપિયા 6 હજાર જેટલો ફાળો એકત્ર કર્યો હતો. જેમાં રૂપિયા 3 હજારની કિંમતની POP (પીઓપી) નહીં, પરંતુ માટીના ગણેશની પ્રતિમા લાવી સ્થાપન કર્યું છે. 5 દિવસ સુધી રોજ સવારે અને સાંજે ગણેશજીની પૂજા-અર્ચના અને આરતી કરી પ્રસાદ વહેંચવામાં આવે છે. બાળકોના આ કાર્યને જોતા સોસાયટીના વડીલો અને બહેનો પણ મદદે આવી આ ઉત્સવમાં જોડાય પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
આ તકે શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટી તેમજ શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર દ્વારા નાના બાળકોના કાર્યને બિરદાવવામાં આવ્યો હતો. સાથે જ બાળકોનો ઉત્સાહ વધારવા ભારત માતાની પ્રતિમા અને સ્વામી વિવેકાનંદના જીવન ઉપદેશના પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.