ખેડા જિલ્લાના વડતાલ ધામ ખાતે આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવમાં ભગવાન શ્રી સ્વામિનરાયણનો વિશ્વકલ્યાણનો સંદેશો દુનિયાભરમાં પહોંચે તેવી ભાવના સાથે ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડી છે. જેનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશો વિશ્વભરમાં જે તીર્થસ્થાનથી મોકલાવ્યો છે, એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવી વડતાલની ભૂમિ ઉપર ઉજવાઈ રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે ભારત સરકારે વડતાલના સુવર્ણ મંદિરની પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે.
જેનું અનાવરણ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યઓ પંકજ દેસાઈ, કલ્પેશ પરમાર, સંજય મહીડા, રાજેન્દ્રસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ અને પૂજ્ય સંતો ખૂબ રાજીપો વ્યકત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભ સ્વામીએ ખૂબ પ્રસન્નતા સાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ માત્ર ટપાલ ટિકિટ નથી, પણ શિક્ષાપત્રીના જન્મસ્થાનેથી ભગવાન શ્રી સ્વામિનારાયણે મોકલાવેલ વિશ્વ કલ્યાણનો સંદેશો છે. આ અવસરે મહોત્સવમાં પધારેલા ભક્તોને સંબોધતા આદરણીય મુખ્યમંત્રીએ દેશના પ્રથમ ગૃહમંત્રી પરમ શ્રદ્ધેય સરદાર સાહેબને યાદ કરી એમના દ્વારા કહેલ એક વાત સંદેશા સ્વરૂપે કહી કે, "જો દરેક વ્યક્તિ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે તો પોલીસની જરૂર જ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ સરળ થઈ જાય છે.