આજથી નવરાત્રિનો પ્રારંભ થતા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યારે મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈભક્તો ઉમટી પડ્યા.
આજથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માતાજી મંદિરો અને પરિસર માં ભક્તો દ્વારા શણગાર કરવામાં આવે છે અને નવરાત્રિમાં માઇ ભક્તો દર્શને આવતા હોય છે તેમજ વિવિધ રીતે પૂજન અનુસ્ઠાન કરતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલામાં આવેલ "માં ચામુંડા માતા"ના મંદિરે નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. જોકે આજથી શરૂ થતી નવરાત્રિ દરમિયાન માતાજીના રોજે રોજ સવાર-સાંજ વિવિધ શણગાર કરવામાં આવશે. તેમ જ આઠમના દિવસે મહંત પરિવાર દ્વારા માતાજીનો હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. અહીં દર્શનાર્થે આવતા ભક્તોની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પણ સુંદર આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
તો આ તરફ ગુજરાતની ત્રણ મુખ્ય શક્તિપીઠોમાં એક બહુચરાજી શક્તિપીઠ મંદિર મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મહેસાણા જિલ્લામાં આવેલું આ મંદિરનું વિશેષ મહાત્મય એટલા માટે છે કે, બાલા ત્રિપુરા સુંદરી વ્યંઢણોની આરાધ્ય દેવી હોવાની સાથે-સાથે શક્તિસ્વરૂપા માતાજી સર્વે દુખોમાંથી મુક્તિ આપનાર છે. આ મંદિરમાં સંતાન પ્રાપ્તિથી માંડીને શારીરિક દુખોમાંથી મુક્તિ મેળવવા હજારો લોકો માતાજીના દર્શનાર્થે આવે છે અને ચાંદીની પ્રતિમા ચઢાવી બાધા પૂર્ણ કરે છે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન આ મંદિર ખાતે હજારો ભક્તો દર્શનનો લાભ મેળવે છે. ત્યારે આજરોજ નવરાત્રીના પ્રથમ દિવસે પણ ભક્તોની ભીડ જોવા મળી હતી.