વડોદરા : ચાણોદનું કુબેર ભંડારી મંદિર અને હરણીના હનુમાનજી મંદિરે રાષ્ટ્રધ્વજનો શણગાર કરાયો, જુઓ આહ્લાદક નજારો..

મંદિરમાં રાષ્ટ્રભાવથી દેશભક્તિના ગીતો, અવનવા શણગાર સહિત રાષ્ટ્રભક્તિમાં લોકો લીન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

New Update
વડોદરા : ચાણોદનું કુબેર ભંડારી મંદિર અને હરણીના હનુમાનજી મંદિરે રાષ્ટ્રધ્વજનો શણગાર કરાયો, જુઓ આહ્લાદક નજારો..

આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા શહેર તથા જિલ્લાના વિવિધ મંદિરોમાં સુંદર લાઇટિંગ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવતા દેશભક્તિનો રંગ જોવા મળ્યો છે.

સમગ્ર દેશ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના હરણી ખાતે આવેલ ભીડભંજન હનુમાન મંદિરે પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાનજી મંદિર ખાતે વિવિધ લાઇટિંગ અને રાષ્ટ્રધ્વજ ફરકાવી મંદિરને સુસજ્જ કરવામાં આવ્યું છે. અહીં અવનવા શણગાર થકી શહેરીજનો દેશભક્તિમાં રંગાયા છે, ત્યારે મંદિરમાં રાષ્ટ્રભાવથી દેશભક્તિના ગીતો, અવનવા શણગાર સહિત રાષ્ટ્રભક્તિમાં લોકો લીન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પવિત્ર શ્રાવણ માસનો આજે શનિવર હોવાથી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું.

તો બીજી તરફ, વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ગામમાં નર્મદા નદી કિનારે આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી કુબેર ભંડારી મંદિરમાં પણ દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત શ્રી ભંડારી મંદિરના ગર્ભગૃહને તિરંગાથી શણગારી ભગવાનનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. દેશ આઝાદ હતો, આઝાદ છે અને આઝાદ રહેશે. હિન્દુસ્તાન અખંડ છે, ત્યારે આ અવસરે ભારત દેશની અખંડતા અને એકતા માટે કુબેર દાદાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.