ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ખાસ કરીને સરકારના જુદા- જુદા વિભાગો જેવા કે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર વિભાગ, મહેસુલ,પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ જેવા વિભાગોને લાગતી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.કલેકટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
