હિંદુ ધર્મમાં પંચાંગ પ્રમાણે દેવ દિવાળીનો તહેવાર કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જેમ પ્રકાશનો પર્વ દિવાળી 5 દિવસનો છે, તેમ દેવ દિવાળી પણ અગીયારસથી શરૂ થઇને પૂનમ સુધી એમ 5 દિવસ માટે ઉજવવામાં આવે છે, ત્યારે કોરોના મહામારીના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં દેવ દિવાળીની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનું ધાર્મિક મહત્વ ઘણું રહેલું છે. જોકે દેવ દિવાળીને દિવાળીના પર્વની પૂર્ણાહુતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાનને શણગાર સાથે છપ્પન ભોગ અને અન્નકૂટ સહિતનો પ્રસાદ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે, ત્યારે ખેડા જિલ્લાના નડીઆદ શહેર સ્થિત સંતરામ મંદિર ખાતે દેવ દિવાળી નિમિતે સાદગીપૂર્વક ઉત્સવ ઉજવાયો હતો. સંતરામ મંદિરમાં દર વર્ષે દિવ દિવાળીના દિવસે સમગ્ર મંદિરને હજારો દીવાઓથી શણગારવામાં આવે છે, ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીના કારણે મંદિરના સત્સંગ ભુવનમાં પ્રતીકરૂપે 11 જેટલા દિવા કરવામાં આવ્યા હતા. જેમાં પ્રતીક સ્વરૂપે દીવાઓથી ૐકાર બનાવી દીપમાલા કરવામાં આવી હતી.
તો સાથે જ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પણ જગત મંદિર ખાતે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં દેવ દિવાળીની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન સમક્ષ તેમજ સમગ્ર મંદિર પરિસરમાં દીપ પ્રગટાવી ભગવાનને વિશેષ વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. દ્વારકાધીશના જગત મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા ભક્તોની હાજરીમાં દેવ દિવાળી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.