દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છે, હતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ન શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ કોચિંગ સેન્ટરો, ટ્રેનિંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ, વર્ષ2022માં ભારતમાં કુલ1,70,924આત્મહત્યા નોંધાઈ હતી, જેમાં13,044એટલે કે7.6%વિદ્યાર્થીઓ હતા. જેમાંથી2,200થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતા. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીર“માળખાકીય ખામી”ને ઉજાગર કરે છે.