ઝઘડિયાના નવી તરસાલી પ્રા. શાળામાં આયોજન
શાળા પ્રવેશોત્સવ-2025ની ઉજવણી કરવામાં આવી
શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
શાળાના તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરાયું
મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ડાયટ આચાર્ય દિનેશ ભાભોરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓને ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.
તરસાલી પ્રાથમિક શાળામાં વર્ષ દરમિયાન 98% હાજરી આપનાર વિદ્યાર્થીની નીલોફરબાનું સલાઉદ્દીન મલેકને પ્રમાણપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાNMMSમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીની યાસેફાબાનું રફીક મલેકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
તરસાલી પ્રાથમિક શાળામાં ગત વર્ષે ધો-6માં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીની મેરીશબાનું અબ્દુલ કાદર મલેક તેમજ ધો-3થી 8માં પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, SMCના સભ્યો તેમજ ગ્રામ આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.