/connect-gujarat/media/media_files/2025/06/28/uma-sanskar-vidyalaya-2025-06-28-16-42-03.jpg)
સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના તૃતીય દિવસે ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ ૯ તથા ૧૧ના બાળકોને કારકિર્દીના ઘડતર સ્વરૂપ કેડી પર ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય સચિવ સહિત મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા કિશોરોને સ્નેહભેર આવકાર આપીને ઉત્તમ ભવિષ્ય અને તેમની સર્વશ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, ચંદ્રાલાના શ્રી જ્યોતિ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો પણ આ તકે મુખ્ય સચિવએ શાળા જીવનમાં પ્રવેશ કરાવ્યો હતો. આ અવસરે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, બે દાયકા પૂર્વે એક નાના વિચાર સાથે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સમાજનો ઉત્સવ બની ગયો છે. વર્ષ ૨૦૦૨-૦૩માં વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે આ પ્રવેશોત્સવ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જેની આજે આપણે ૨૩માં વર્ષની સફળતા પૂર્ણ ઉજવણી કરી રહ્યા છીએ. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ એ કોઈ એક વિભાગ કે માત્ર શિક્ષકોની નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે. એટલે જ પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઉજવવાનંા નક્કી કરવામાં આવ્યું છે.
સરકાર અને સમાજની સંયુક્ત જવાબદારી સમાજના દરેક વ્યક્તિને શિક્ષણ સાથે જોડવાની, અને શૈક્ષણિક પ્રવાહમાં લાવવાની છે. પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ માનવતા ભર્યા મહાયજ્ઞ થકી અત્યાર સુધીમાં આપણને સારા અને સુખદ પરિણામો મળ્યા છે. આવા કાર્યક્રમો થકી ૧૦૦ ટકા નામાંકન ઉપરાંત હવે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થવાની આરે પહોંચી ચૂક્યો છે, ત્યારે કિશોરોને પ્રવેશ આપતા સેક્રેટરીશ્રીએ ઉમેર્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ સિવાય બીજો કોઈજ વિકલ્પ નથી. માટે નિયમિત શાળાએ આવવા સૂચન કર્યું હતું. શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત શાળામાં શૈક્ષણિક જરૂરિયાતો માટે છુટા હાથે દાન કરતા, દાતાઓ સહિત શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિમાં આગળ પડતા તેજસ્વી તારલાઓ ઉપરાંત જ્ઞાન સાધના અન જ્ઞાનસેતુ જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાર્દિક સતાસિયા, જિલ્લા પંચાયતના સદસ્ય દિલીપ પટેલ સહિત સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિધાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.