Connect Gujarat
શિક્ષણ

“શિક્ષક દિન સ્પેશ્યલ” : કચ્છની હાથીસ્થાન કુમાર શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સેંકડો બાળકો માટે બન્યા એક આદર્શ શિક્ષક...

કહેવાય છે ને કે, કોઇપણ સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા હોય છે, જ્યાં સુધી તેનો ઉકેલ મળતો નથી. કચ્છ જિલ્લાના ભુજ શહેરના કર્મનિષ્ઠ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન બની છે,

X

કહેવાય છે ને કે, કોઇપણ સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા હોય છે, જ્યાં સુધી તેનો ઉકેલ મળતો નથી. કચ્છ જિલ્લાના ભુજ શહેરના કર્મનિષ્ઠ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન બની છે, ત્યારે આજે શિક્ષક દિન નિમિત્તે નિહાળો કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

દર વર્ષે તા. 5મી સપ્ટેમ્બરના દિવસને સમગ્ર ભારતમાં મહાન કેળવણીકાર દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં અને એમના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. એક શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન છે. નવી પેઢીમાં ન માત્ર શિક્ષણ પરંતુ ઉચ્ચ મૂલ્યોનું સિંચન પણ શિક્ષક કરતો હોય છે. તેમાં પણ બાળકો પોતાના શિક્ષકને આદર્શ માનીને તેમના ગુણો અને તેના મૂલ્યોને અપનાવીને જીવનની રાહ કંડારતા હોય છે. ગુણવાન શિક્ષક ન માત્ર સમાજ પરંતુ શાળામાં ભણનારા સેંકડો બાળકો માટે આદર્શ જીવનનો એક જીવંત દાખલો બની જતો હોય છે, ત્યારે આજે આપણે કચ્છ જિલ્લાના ભુજ શહેરના કર્મનિષ્ઠ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની વાત કરવા જઈ રહ્યા છે. જે સંગીત શિક્ષક હોવા છતાં શાળાના બાળકોની જરૂરીયાતને ધ્યાનમાં લઇને દ્રષ્ટિ ધરાવતા સામાન્ય શિક્ષકની જેમ અન્ય વિષયોનો અભ્યાસ ખૂબ સરળતાપૂવર્ક કરાવે છે. જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ એવા ઉંમર લુહારે કુદરતે આપેલી ખામીને અવગણીને સંગીતમાં પોતાનું કૌશલ્ય વિકસાવ્યું છે. હાલ તેઓ ભુજની હાથીસ્થાન કુમાર શાળા નં. 5માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બાળકોને વિવિધ સંગીતના સાધનો શીખવાડવા સાથે સંગીતના સુરોની આરાધના કરાવે છે. આ સાથે પોતાની કર્મનિષ્ઠા દર્શાવતા તેઓ શાળા અને બાળકોની જરૂરીયાતને લક્ષમાં રાખીને સામાન્ય શિક્ષકની જેમ અન્ય વિષયો પણ અભ્યાસમાં લે છે. જે જોઇને બાળકો પણ અવાચક થઇ જાય છે. તેઓ દ્રષ્ટિહીન હોવાથી તે સામાન્ય શિક્ષકની જેમ પુસ્તકો વાંચીને બાળકોને અભ્યાસ કરાવી શકે તેમ નથી. પરંતુ તેઓએ હાર ન માનતા બાળકોની ચિંતા અને ખરા કેળવણીકાર હોવાના દાખલા સ્વરૂપે રસ્તો શોધી લીધો છે. ઓનલાઇન ધો. 1થી 5ના પર્યાવરણ, ગુજરાતી વિષયોના રેકોર્ડેડ વિડિયો ઉપલબ્ધ છે. તેથી લેપટોપમાં તેને ડાઉનલોડ કરી સ્પીકર કનેકટ કરી ક્લાસમાં બાળકોને વિડિયોમાં જે શિક્ષક પાઠનું વાંચન કરતા હોય તે જોવા મળે અને સાથે સંભળાય, વચ્ચે વચ્ચે મુદ્દાવાર વિડિયોમાંથી બાળકોને પાઠનો મર્મ સમજાવવામાં આવે છે. બાળકોને પણ આ રીતે અભ્યાસ કરવામાં ખૂબ મજા પડી રહી છે. બાળકોને સ્ક્રીન પર દ્રશ્યો દેખાતા હોવાથી તેઓ એકાગ્રતાથી બેસીને સમજણ મેળવે છે. આ સાથે પ્રશ્નોત્તરી કરીને બાળકોને સમગ્ર પાઠ એકદમ યોગ્ય રીતે શીખવાડવામાં આવે છે. જોકે, શિક્ષક પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ધગશથી બાળકોને અભ્યાસ કરાવે છે.

Next Story