-
બોગસ RTE હેઠળ પ્રવેશનો મામલો
-
DEO દ્વારા 68 વાલીઓ સામે કાર્યવાહીની સૂચના અપાઈ
-
ગુજરાતમાં પ્રથમ વખત DEO દ્વારા કાર્યવાહી કરાઈ
-
ખોટા આવકના દાખલ બનાવી વાલીઓએ લીધું એડમિશન
-
વાલીઓને પણ હીયરીંગમાં બોલાવવામાં આવ્યા
સુરતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ 68 વાલીઓ દ્વારા આવકના ખોટા દાખલા મેળવી બાળકોનું શાળામાં એડમિશન લીધું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતમાં 68 જેટલા વાલીઓ દ્વારા આવકનાં ખોટા દાખલા મેળવી શાળામાં પ્રવેશ મેળવી લીધો હોવાનું DEO નાં ધ્યાને આવતા શાળાનાં આચાર્યોને FIR માટે અધિકૃત કરવામાં આવ્યા છે.RTEમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવવા પામ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને આદેશ કર્યો છે.
તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર બાબત જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને આવતા RTE હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓનાં પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે.તેમજ વાલીઓ તેઓની વાત રજૂ કરી શકે તે માટે તેઓને મોકો આપવામાં આવ્યો છે. અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વાલીઓને હિંયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે.
આ બાબતે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, તમામ શાળાઓને પરિપત્ર મોકલી જણાવ્યું હતું કે, ખોટી રીતે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ 68 જેટલા વિદ્યાર્થીઓના નામ સાથે શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યા છે. તેમજ આવનારા સમયમાં બાકીનાં 32 વિદ્યાર્થીઓના નામ સાથે પરિપત્ર મોકલવામાં આવશે. તેમજ સ્ટાફની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે.