બોલિવૂડના હીરો નંબર વન ગોવિંદા લાંબા સમયથી આરામ પર હતા. અભિનેતાને પગમાં ગોળી લાગી હતી. જેના કારણે તેમણે ઓપરેશન કરાવવું પડ્યું હતું. હવે જ્યારે અભિનેતા સ્વસ્થ થઈને મેદાનમાં પરત ફર્યા ત્યારે તેમની તબિયત ફરી એક વાર બગડી છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ગોવિંદા રોડ શોમાં પહોંચ્યા હતા. જ્યાં અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. જેના કારણે તેઓ મુંબઈ પરત ફર્યા છે.
ગોવિંદ જેઓ પૂર્વ સાંસદ હતા તે તાજેતરમાં જ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં જોડાયા હતા. જેના કારણે હવે તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ જલગાંવમાં એક રોડ શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાની પાર્ટીનું મનોબળ વધાર્યું હતું. પરંતુ પછી અચાનક અભિનેતાની તબિયત બગડી હતી.
અચાનક તબિયત બગડતાં ગોવિંદાને રોડ શો અધવચ્ચે જ છોડી દેવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, અભિનેતા હવે મુંબઈ પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે આ રોડ શો દરમિયાન ગોવિંદાએ મતદાતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ-શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ગઠબંધનને સમર્થન આપવાની અપીલ કરી છે.