કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ તેનો વિરોધ તેજ બન્યો છે. બિહારના જહાનાબાદ અને નવાદામાં યુવા પ્રદર્શનકારીઓ સતત બીજા દિવસે રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટ્રેનોને પણ નિશાન બનાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગુસ્સામાં વિદ્યાર્થીઓએ ઘણા સ્ટેશનો પર ટ્રેનો રોકી દીધી છે.

એટલું જ નહીં હાઈવે પર અનેક જગ્યાએ ટાયરો પણ સળગાવવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ જહાનાબાદમાં NH 83માં આગ લગાવીને વિરોધ કર્યો હતો. જેના કારણે થોડીવાર માટે અહીં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓના વિરોધને કારણે ગયા-પટના મુખ્ય માર્ગ પર થોડો સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. મુંગેરમાં પણ અગ્નિપથ યોજના સામે વિરોધ જોવા મળ્યો હતો. અહીં વિદ્યાર્થીઓએ સફિયાસરાય ચોક જામ કર્યો હતો. એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ આગચંપી પણ શરૂ કરી દીધી હતી. જેના કારણે NH અને જમાલપુર મુંગેર રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે થંભી ગયો હતો. આંદોલનકારીઓનું કહેવું છે કે ભરતી પહેલાની જેમ થવી જોઈએ, ટૂર ઓફ ડ્યુટી (TOD) પાછી ખેંચી લેવામાં આવે અને પરીક્ષા પહેલાની જેમ જ લેવામાં આવે. માત્ર 4 વર્ષ સુધી કોઈ સેનામાં જોડાશે નહીં. બીજી તરફ જહાનાબાદમાં વિરોધ કરી રહેલા અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે માત્ર 4 વર્ષ કામ કરીને ક્યાં જઈશું? અમે 4 વર્ષની સેવા પછી બેઘર થઈ જઈશું. એટલા માટે અમે રસ્તા રોક્યા છે, દેશના નેતાઓને હવે ખબર પડશે કે લોકો જાગૃત છે. અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમે સશસ્ત્ર દળોમાં જોડાવા માટે સખત મહેનત કરીએ છીએ. મહિનાઓની તાલીમ અને રજા સાથે 4 વર્ષની સેવા કેવી હશે? માત્ર 3 વર્ષની તાલીમ પછી દેશની રક્ષા કેવી રીતે કરીશું? સરકારે આ યોજના પાછી ખેંચવી પડશે.