પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરનું કહેર, ગળાડૂબ પાણી ભરાયા

વરસાદ અને પૂરથી દેશના અનેક રાજ્યોમાં હાહાકાર મચી ગયો છે. પર્વત થી લઈને મેદાન સુધી આકાશમાં થી આફત વરસી રહી છે. દેશના ઉત્તરપૂર્વીય ભાગોમાં વરસાદ અને પૂરે તારાજી સર્જી છે. આસામ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૂરની આફત સર્જાઈ છે. સૌથી ખરાબ પરિસ્થિતી આસામમાં છે, જ્યાં અત્યાર સુધી વરસાદને કારણે 84 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આની સાથે દેશનો સૌથી મોટો ભાગ આસમાની આફતથી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. ઘરોથી માંડી દુકાનો જળમગ્ન થઈ ગઈ છે. નદીઓ સરહદો ઓળંગીને શહેરોમાં પ્રવેશી ચૂકી છે.
નેપાળમાં ભારે વરસાદ બિહાર માટે કપરો કાળ બની ગયો છે. તમામ શહેરો અને ગામ પૂરના પાણીથી ડૂબી ગયા છે. હવામાન વિભાગે પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, વૈશાલી, સીતામઢી અને દરભંગા માટે એલર્ટ જારી કર્યું છે. બાગમતી નદી અને ગંડક નદીમાં પાણીનું સ્તર વધુ જોખમી રીતે વધી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચાઈ વાળા સ્થળોએ જવાનું કહી દેવામાં આવ્યું છે.
બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 23 થી 25 જુલાઇ સુધી રુદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર અને પિથોરાગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દહેરાદૂન અને પૌરી ગઢવાલ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પહેલા સિમલામાં સોમવારે ભારે વરસાદ બાદ પહાડ તૂટી પડ્યો અને બજારને નષ્ટ કરી દીધું હતું. સિમલાની સફરજન મંડીમાં ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું હતું.
યુપી ના ઘણા જિલ્લા થયા પ્રભાવિત
હવે યુપીમાં પણ પૂરનું જોખમ વધી રહ્યું છે. બારાબંકીમાં સરયુ નદી ભયના સંકેતથી ઉપર વહી રહી છે. નેપાળથી સતત છોડવામાં આવી રહેલ પાણી ઘણાં જિલ્લાઓમાં ખતરાની ઘંટી વગાડે છે. સિદ્ધાર્થ નગરમાં કૂડા નદી આકરું સ્વરૂપ બતાવી રહી છે. નદીના ધોવાણના કારણે અનેક ગામોમાં ભયનો માહોલ સર્જાયો છે.