ભરૂચના આમોદનો બનાવ

ખાતર મેળવવા ખેડૂતોની પડાપડી

ખાતરની અછત જોવા મળી

ખેડૂતોએ લગાવી લાંબી લાઇન

પૂરતા પ્રમાણમાં ખાતર આપવા માંગ

ભરૂચ આમોદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી ખરીદ-વેચાણ સંઘ ખાતે મોટી સંખ્યામાં ખેડુતો ઉમટી પડયા હતા 

હાલ ખેતીની સિઝન દરમિયાન ખાતરની માંગ વધતા ભરૂચના આમોદ તાલુકા ખરીદ-વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે સંઘના પરિસરમાં પહોંચી ગયા હતા અને કૂપન મેળવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા.ખરીદ-વેચાણ સંઘના મેનેજર ચંદુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને કૂપનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કુલ 450 ગુણ ખાતરમાંથી 90 જેટલા ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

બીજી તરફ, ખેડૂતોમાં ખાતરની અછત અને વહેલી સવારથી લાંબી કતારમાં ઉભા રહેવાની ફરજ પડતા અસંતોષ જોવા મળ્યો હતો. મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતાં ખેડૂતો જણાવ્યું હતું કે ખાતર મેળવવા માટે સવારે 4 વાગ્યે ઊઠીને કતારમાં ઉભા રહેવું પડે છે, છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળશે કે નહીં તેની અનિશ્ચિતતા રહે છે. ખેડૂતોને પડતી આ મુશ્કેલીનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પૂરતા પ્રમાણમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર અને તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.