દિવાળીના પર્વ ટાણે ફટાકડા આગ લાગવાનું કારણ બન્યું હતું. રાજયમાં ભરૂચ, અમદાવાદ, સુરત, અંકલેશ્વર અને ઉમરગામમાં આગના બનાવો બન્યાં હતાં. સદ નસીબે આગની ઘટનાઓમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
ભરૂચમાં એક તરફ લોકો દિવાળીના પર્વનો આનંદ માણી રહયાં હતાં તેવામાં આગના બનાવો પણ બન્યાં હતાં. શહેરના ઝાડેશ્વર રોડ પર આઇનોકસની સામે આવેલી ચા ની કેન્ટીનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. અચાનક આગ ફાટી નીકળતાં સ્ટોલમાં ઉંઘી રહેલાં લોકોમાં નાસભાગ મચી હતી. આગે આસપાસ આવેલાં તંબુઓને પણ લપેટમાં લેતાં ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગના અન્ય બનાવની વાત કરવામાં આવે તો અંકલેશ્વર શહેરમાં ત્રણ રસ્તા સર્કલ પર આવેલ ફટાકડા ની લારી પર આગ લાગતા આજુબાજુના લોકોમાં ભય ફેલાયો હતો. લારી ઉપર ફટાકડાનો તણખો પડવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાય રહયું છે.
હવે વાત કરીએ સુરતની. સુરતના લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગર પાસે ફર્નિચરનું ગોડાઉન આવેલું છે. ત્રણ માળના ફર્નિચરના ગોડાઉનમાં કોઇ કારણોસર આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યાં હતાં. બનાવની જાણ થતાં લાશ્કરોની ટીમ 12 લાયબંબાઓ સાથે સ્થળ પર દોડી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી.
હવે નજર કરીએ અમદાવાદમાં બનેલી આગના બનાવ ઉપર. અમદાવાદ શહેરના ઇન્ટકમટેકસ સર્કલ પાસે આવેલાં હરસિધ્ધિ ચેમ્બરમાં રીલાયન્સના રેફીજરેટરમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આગમાં આખી દુકાન બળીને રાખ થઇ ગઇ હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતેની જીઆઇડીસીમાં આવેલી સોવન કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો. લાશ્કરોએ દોડી આવી આગ કાબુમાં લેતાં સૌએ હાશકારો લીધો હતો.
રાજયમાં દિવાળીની ઉજવણી દરમિયાન લોકોએ મન મુકીને ફટાકડા ફોડયાં હતાં. જેના તણખા ઉડવાથી આગના બનાવો બનતાં આખી રાત નગરપાલિકાના લાશ્કરો દોડતાં રહયાં હતાં. સદનસીબે આગના બનાવોમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.