/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/39788736-1d23-4b4e-aac4-dbaf304de593.jpg)
રોકડ રકમ અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 2.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં આવતા ઉમલ્લા ખાતે પ્રાથમિક શાળાના જૂના મકાનમાં જુગારની મહેફિલ માણીને બેઠેલા 8 ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા 1.01 લાખ અને અન્ય સાધને મળી કુલ રૂપિયા 2.60 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વિવિધ ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. દરમિયાન ઉમલ્લા પોલીસ મથકની હદમાં પટેલ ફળિયામાં આવેલી જૂની પ્રાથમિક શાળાના ઓટલા ઉપર જૂગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે સ્થળ ઉપર રેડ કરતાં ત્યાં મહેફિલ જમાવીને બેઠેલા જુગારીઓમાં દોડધામ મચી હતી.
પોલીસે સ્થળ ઉપરથી ધર્મેશ ચન્દ્રકાંત પટેલ, જીગ્નેશ પરસુત્તમ પટેલ, નિકુંજ ઠાકોર પટેલ, પ્રકાશચન્દ્ર જેન્તી પંડ્યા, અંકુર મુકેશ પટેલ, આશિષ ઠાકોર પટેલ, ચન્દ્રકાન્ત ભરત પટેલ અને જગજીવન ચતુર પટેલ તમામ સ્થાનિક પટેલ ફળિયાના જ રહીશ હોવાનું પોલીસને જણાયુ હતું. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 101370, મોબાઈલ નંગ-6 જેની કિંમત રૂપિયા 54500, બાઈક નંગ-6 કિંમત રૂપિયા 105000 મળી કુલ રૂપિયા 260870 નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.