ગાંધીનગર : ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સુધારા વિધેયક વિધાનસભામાં થયું પસાર

New Update
ગાંધીનગર : ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સુધારા વિધેયક વિધાનસભામાં થયું પસાર

રાજ્યમાં હાલના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,૧૯૭૩ની કલમ-૧૯૫માં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા વિધેયકને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે...

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કાયદામાં લાવવામાં આવેલો સુધારો, વર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને કરવો આવશ્યક છે. કાયદો અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે વિવિધ કાયદા અંતર્ગત સી.આર.પી.સી.ની કલમ-૧૪૪ હેઠળના પ્રતિબંધાત્મક કે નિયમનકારી જાહેરનામાના અમલ અને જાહેરનામાના ભંગ બદલ કોર્ટમાં કેસ દાખલ કરવા બાબતે એક નવી રાહ મળશે. એટલું જ નહી આ સુધારા વિધેયકથી કોઇપણ વ્યક્તિના બંધારણીય અધિકારો ઉપર સહેજપણ આંચ આવશે નહી.

તેઓએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં વર્તમાન કાયદાકીય સ્થિતિને ધ્યાને રાખી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૯૫-માં,પેટા કલમ(૧)માં, ખંડ(ક)માં, પેટા-ખંડ(૧)માં સુધારો કરવો આવશ્યક છે. તેનાથી વિવિધ કાયદા અંતર્ગત બહાર પાડવામાં આવેલ જાહેરનામુ તેમજ સી.આર.પી.સી.ની કલમ-૮૨ અન્વયે બહાર પાડવામાં આવેલ જાહેરનામા (ઢંઢેરો)ના ભંગ બદલ પોલીસ પોતે ફરીયાદી બની શકશે અને પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર. દાખલ કરીને તપાસ કરી , તેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરશે ત્યારે નામદાર કોર્ટ તે ચાર્જશીટના આધારે ગુન્હાનુ કોગ્નીઝન્સ લઇ કાયદા મુજબની આગળની કાર્યવાહી કરી શકશે.

વધુમાં જાહેરનામાઓના ભંગ બદલ પોલીસ તંત્ર દ્વારા આઇ.પી.સી.ની કલમ-૧૮૮ હેઠળનો ગુનો નોંધવામાં આવે છે. રાજયમાં જાહેર વ્યવસ્થાની જાળવણી કરવી એ પોલીસતંત્રની ફરજ છે અને જુદા જુદા પ્રકારના નોટિફિકેશનો અને તેની પ્રક્રિયાથી આવી જાળવણી થાય છે. પરંતુ કાયદાકીય બાધના કારણે નામ. કોર્ટ તેનું કોગ્નીઝન્સ ન લેતી હોવાની બાબત ધ્યાને આવતા કાયદામાં આ સુધારો લાવવાની આવશ્યકતા છે. તેમજ જ્યારે કોઇપણ આરોપી કોર્ટ સમક્ષ હાજર થતો નથી, ત્યારે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૮૨ હેઠળની કાર્યવાહી કરી તેવા આરોપીને જે તે કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવા પ્રોક્લેમેશન બહાર પાડવામાં આવતો હોય છે. તેમ છતા તેવા ભાગેડુ આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર ન થઇ પ્રોક્લેમેશનનો ભંગ કરતા હોય છે અને તેઓ વિરૂધ્ધ કલમ – ૧૭૪(ક) હેઠળનો ગુનો બનતો હોય છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, સુચિત સુધારાની જોગવાઇ મુજબ જાહેરનામાં ભંગના કેસોમાં પોલીસ દ્વારા એફ.આઇ.આર. નોંધી તેના આધારે તપાસના અંતે નામદાર કોર્ટમાં જે ચાર્જશીટ કરવામાં આવશે અને તેના આધારે કોગ્નીઝન્શ લઇને ગુણદોષ ઉપર કેસનો નિકાલ થશે અને જાહેરનામાનો હેતુ ફળીભુત થશે. આથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૯૫ની જોગવાઇમાં સુધારો કરવાથી નામદાર કોર્ટ કોગ્નીઝન્શ લઇ શકશે, તેનો સીધો ફાયદો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં થશે.આ સુધારા વિધેયક ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું,

Latest Stories