ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પૈકી સાત બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અબડાસા, ધારી, મોરબી, કરજણ અને કપરાડામાં કોંગ્રેસ છોડી આવેલાં પક્ષપલટુઓને ટીકીટ આપવામાં આવી છે. ગઢડા અને ડાંગ બેઠક પર ઉમેદવારો બદલાયાં છે જયારે લીમડી બેઠક માટે હજી ઉમેદવારની જાહેરાત કરાય નથી.
ગુજરાતમાં રાજયસભાની ત્રીજી બેઠક જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. રાજયસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં ભાજપ ત્રીજી બેઠક સરળતાથી જીતી ગયું હતું. અબડાસા, ધારી, મોરબી, કરજણ, ડાંગ, ગઢડા, કપરડા અને લીમડી બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે રવિવારના રોજ મળેલી ભાજપની ચુંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં અબડાસામાં પ્રધયુમનસિંહ જાડેજા, કરજણમાં અક્ષય પટેલ, કપરાડામાં જીતુ ચૌધરી, મોરબીમાં બ્રિજેશ મેરજાને તથા ધારીમાં જે.વી.કાકડીયાને ટીકીટ આપવામાં આવી છે. આ તમામ કોંગ્રેસના ધારાસભ્યો હતાં પણ રાજયસભાની ચુંટણી પહેલાં પક્ષપલટો કર્યો હતો. ગઢઠા બેઠક પર આત્મારામ પરમાર, ડાંગ બેઠક પર વિજય પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે જયારે લીમડી બેઠક માટે હજી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં નથી. લીમડીના કોંગી ઉમેદવાર સોમા ગાંડા પટેલના બદલાયેલા તેવરના કારણે આ બેઠક ગુંચમાં પડી હોવાની ચર્ચા ચાલી રહી છે. પક્ષપલટુઓને મતદારો કેવી રીતે જવાબ આપે છે તે ચુંટણીના પરિણામો બાદ ખબર પડશે.