ભાજપ દ્વારા રાધનપુર અને ગાંધીનગર દક્ષિણની બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી રાખવામાં આવી છે. રાધનપુર બેઠક પર યુવા નેતા અલ્પેશ ઠાકોરે દાવેદારી કરી છે, પણ પાર્ટી તેઓને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપે તેવી શક્યતા છે, ત્યારે અલ્પેશ ઠાકોરની આ બેઠક પર સ્થિતિ કેવી છે, તે બાબતે તેમના પિતા ખોડાભાઈ ઠાકોરે કનેક્ટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ, ભાજપના યુવા નેતા અલ્પેશ ઠાકોરની ટિકિટને લઈ સસ્પેન્સ યથાવત છે, ત્યારે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાભાઈ ઠાકોરનું કહેવું છે કે, અમારું ગોત્ર ભાજપનું છે, પણ સામે સંજોગો અનુસાર અમે કોંગ્રેસમાં ગયા હતા. અલ્પેશએ અનેક આંદોલન કર્યા છે. અલ્પેશ રાધનપુર માટે મહેનત કરતો હતો. પણ પાર્ટી જો તેમને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપશે, તો પણ અલ્પેશ ઠાકોર જંગી વિજય મેળવશે. અમારી ત્રીજી પેઢી રાજનીતિમાં છે, ત્યારે એક પિતા તરીકે આનંદ છે કે, અલ્પેશ ઠાકોર હવે પ્રજાની સેવાનું કાર્ય આગળ વધારશે.