“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!”– કવિ ખબરદારની આ પંક્તિઓ આજે વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહી છે.1 મે એટલે આપણી આણ, બાણ અને શાન સમાન ‘ગુજરાત સ્થાપના દિવસ‘. 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ખમીરવંતા ગુજરાતીઓએ પોતાના હકનું આ રાજ્ય મેળવ્યું હતું.આજે આ ગૌરવશાળી સફરને છ દાયકાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે ચાલો આપણે આપણા રાજ્યની વિશેષતાઓને વાગોળીએ.
ગુજરાતની સ્થાપના પાછળ ‘મહાગુજરાત આંદોલન‘નો મોટો ફાળો રહ્યો છે. ઈન્દુલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા) ના નેતૃત્વ હેઠળ થયેલા આ આંદોલને સાબિત કરી દીધું હતું કે ગુજરાતીઓ શાંતિપ્રિય ભલે હોય, પણ જ્યારે વાત પોતાની ઓળખની આવે ત્યારે તે મક્કમ બની જાણે છે.1 મે, 1960ના રોજ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું અને એક નવા યુગની શરૂઆત થઈ.
ગુજરાત એટલે માત્ર એક ભૌગોલિક પ્રદેશ નહીં, પણ એક જીવંત સંસ્કૃતિ છે. નવરાત્રીના ગરબા હોય કે ઉત્તરાયણનો પતંગોત્સવ, ગુજરાતના તહેવારોમાં આખી દુનિયા જોડાઈ જાય છે.લોથલની હડપ્પીય સંસ્કૃતિથી લઈને રાણીની વાવ અને મોઢેરાના સૂર્યમંદિર સુધીનો આપણો વારસો અત્યંત સમૃદ્ધ છે.એશિયાટિક લાયન્સનું એકમાત્ર નિવાસસ્થાન શાસણગીર હોય કે સફેદ રણ (કચ્છ), ગુજરાતની ધરતી વિવિધતાથી ભરેલી છે.
આજે ગુજરાત ‘વિકાસ‘નું પર્યાય બની ગયું છે.ગતિશીલ ગુજરાત‘ ના મંત્ર સાથે આપણે ઉદ્યોગ, ખેતી અને સેવા ક્ષેત્રે હરણફાળ ભરી છે.
વેપાર તો ગુજરાતીઓનો જ એ કહેવત આજે પણ યથાર્થ છે. ડાયમંડ સિટી સુરત હોય કે ફાર્મા હબ અમદાવાદ,ગુજરાતીઓ એ દુનિયાને બતાવ્યું છે કે ધંધો કેવી રીતે થાય.ગિફ્ટ સિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ્સ આજે ભારતની નવી ઓળખ બની ગયા છે.
આજના આ ખાસ દિવસે આપણે માત્ર ઉજવણી જ નથી કરવાની, પણ એક સંકલ્પ પણ કરવાનો છે. આપણી ભાષા ‘ગુજરાતી‘ પ્રત્યે ગૌરવ રાખીએ, પર્યાવરણનું જતન કરીએ અને ગુજરાતને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા ફાળો આપીએ.
ગાંધી અને સરદારની આ ભૂમિ હંમેશા અહિંસા અને એકતાનો સંદેશ આપતી રહી છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ આ પુણ્યધરા પર થયો છે. આવો, આજે હૃદયપૂર્વક બોલીએ.
જય જય ગરવી ગુજરાત!
સૌને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
