ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા
વલસાડ, ભાવનગર,અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ
વલસાડમાં ધીંગો વરસાદ વરસ્યો
ભાવનગરમાં ખેડૂતોમાં આનંદ છવાયો
મોડાસામાં જળબંબાકારથી મેઘરજ રોડ નદીમાં ફેરવાયો
ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે.વલસાડ, ભાવનગર અને અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળા છલકાયા છે,જયારે મોડે મોડે પણ મેઘો મહેરબાન થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારો અને તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓ છલકાઈ ગયા છે, જ્યારે ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા નીચાણવાળા વિસ્તારો તેમજ સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, નાનાપોન્ધામાં સૌથી વધુ 3.6 ઇંચ, ધરમપુરમાં 3.48 ઇંચ, કપરાડામાં 2.84 ઇંચ અને ઉમરગામમાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પારડીમાં 1.88 ઇંચ, વલસાડમાં 1.2 ઇંચ અને વાપીમાં 0.76 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે.
બીજી તરફ, ભાવનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 0.77 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઘોઘામાં 1.06 ઇંચ અને સૌથી ઓછો ઉમરાળામાં 0.28 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદના આગમનથી ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે. ભાવનગરમાં અંદાજે 60% ખેતી વરસાદ પર નિર્ભર છે, ત્યારે પાક નિષ્ફળ જવાની અણી પર હતો તે સમયે જ મેઘરાજાએ પધરામણી કરી કપાસ, મગફળી, ડુંગળી અને બાજરી જેવા પાકને નવું જીવનદાન આપ્યું છે. ગરમી અને અસહ્ય બફારાથી અકળાયેલા લોકોને પણ વરસાદથી મોટી રાહત મળી છે.
જોકે, અરવલ્લીના મોડાસામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી મુશ્કેલીઓ પણ સામે આવી છે. મોડાસામાં માત્ર એક કલાકમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાતા આખો રોડ નદીમાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે અનેક વાહનો ફસાઇ ગયા હતા અને વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. લવાસા ફ્લેટ અને દ્વારકાપુરી વિસ્તારમાં પણ પાણી ભરાતા નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. હાલ મોડાસામાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરવામાં આવી રહી છે.
