સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનમાં લગાડવામાં આવેલ વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક હનુમાન ભક્તે કુહાડી ચલાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત આ ભીંતચિત્રો પર કાળો કલર લગાવતા પોલિસે ગઢડાના ચારણકી ગામના શખ્સની અટકાયત કરી હતી.
સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટની ઉંચી પ્રતિમા નીચે આવેલા ભીંતચિત્રમાં હનુમાનજીને નીલકંઠવર્ણીને પ્રણામ કરતા બતાવ્યાનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. જોકે, આ ભીંતચિત્રોને હટાવી લેવા સાધુ-સંતોએ પણ અપીલ કરી હતી. તેવામાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના હનુમાન ભક્તે લાગણી દુભાતા વિવાદિત ભીંતચિત્રો પર કુહાડી ચલાવી તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ કાળો કલર લગાવ્યો હતો. જોકે, સ્થાનીક સુરક્ષા કર્મીઓ દ્વારા હર્ષદ ગઢવીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં મંદિરના બાઉન્સર અને પોલીસ દ્વારા ભીંતચિત્રો ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પ્રતિમા નીચે રહેલા ભીંતચિત્રોને વાંસથી કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. આ સાથે જ ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે, તેને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.