સાબરકાંઠા : રીલ્સ બનાવવા ગયેલા 2 યુવાનો હાથમતી નદીના પટમાં પડતા ધોધમાં ડૂબ્યા, એક યુવાનનું મોત..!

ધોધમાર વરસાદને લઈને નદી-નાળા તથા ઝરણાઓ જીવંત થયા.

New Update
સાબરકાંઠા : રીલ્સ બનાવવા ગયેલા 2 યુવાનો હાથમતી નદીના પટમાં પડતા ધોધમાં ડૂબ્યા, એક યુવાનનું મોત..!

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને નદી-નાળા તથા ઝરણાઓ જીવંત થયા છે, ત્યારે યુવા વર્ગ સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાની લ્હાયમાં કેટલાક નવયુવાનો ઝરણાઓ નજીક પહોચી રહ્યા છે, તેવામાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપલોદી અને ધાંણધા ગામના અલગ અલગ બનાવમાં 2 યુવાનો પાણી ડૂબ્યા હતા. જેમાં એક યુવાનનું મોત નીપજયું હતું, જ્યારે ફાયર બ્રિગેડની ટીમે પાણીમાં ડૂબેલા અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરી હતી.

વરસાદી માહોલ વચ્ચે વનરાજી સાથે ગીરીકંદરાઓ ખીલી ઉઠી છે, ત્યારે જીવંત પાણીના ઝરણા નજીક જઈ રીલ્સ તેમજ ફોટોગ્રાફી માટેનો ક્રેજ યુવા વર્ગમાં જોવા મળી રહ્યો છે. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં જૈન દેરાસર પાસે રહેતો હર્ષ પ્રજાપતિ, યશદીપ ગુર્જર, અક્ષત કિસન ચૌહાણ, રિશી લુહાર તેમજ યશદીપ વણકર આ પાંચેય મિત્રો ગત રવિવારે બપોરે પીપલોદી ગામની સીમમાંથી પસાર થતી હાથમતી નદીના પટમાં પડતા ધોધ પાસે પહોંચ્યા હતા. 

ત્યારબાદ સોશ્યલ મીડિયાની રીલ્સ બનાવવા માટેની તૈયારીઓ કરતા પૂર્વે હર્ષ પ્રજાપતિ ધોધ નજીક એક તરફથી બીજી તરફ જતા પાણીમાં પડ્યો હતો, ત્યારે તે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવવા લાગ્યો હતો. હર્ષને ડૂબતો જોઈ અન્ય મિત્ર પણ પાણીમાં પડ્યો હતો. જોકે, પાણીમાં ડૂબતા હર્ષ પ્રજાપતિને બચાવી શક્યો ન હતો. 

એકએક બનેલી આ દુર્ઘટનાથી અન્ય મિત્રો ગભરાઈને બુમાબુમ કરવા લાગ્યા હતા. જેના કારણે ઘટના સ્થળે દોડી આવેલા એક ગ્રામજને ગામમાં જાણ કરી હતી. જેથી ગામના અગ્રણીઓ દ્વારા હિંમતનગર નગર પાલિકાની ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જેથી હિંમતનગર ફાયર વિભાગની ટીમ અને બી’ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરુ કરી હતી. સતત 5 કલાકથી વધુ સમય શોધખોળ કરી હતી. પરંતુ પાણીમાં ડૂબેલા હર્ષ પ્રજાપતિની કોઈ ભાળ મળી ન હતી. આ ઘટનાની જાણ પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં થતા પરિવારજનો, મિત્રો અને સંબધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તો બીજી તરફ, અન્ય એક ઘટનામાં પણ યુવાન ડૂબ્યો હતો. હિંમતનગરના ધાણધા નજીકની ભાવના રેસીડેન્સીમાં રહેતો 17 વર્ષીય રાજ્ગીરી ગોસ્વામી ગત રવિવારે બપોરે ધાણધા નજીકથી પસાર થતી હાથમતી નદીમાં મિત્રો સાથે નાહવા ગયો હતો, ત્યારે નદીના ઊંડા પાણીમાં અચાનક યુવાન ડૂબવા લાગ્યો હતો. નદીના પાણીના ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે સ્થાનિકોએ રાજ્ગીરી ગોસ્વામીને બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પીટલ લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબએ તેને મૃત જાહેર કરીને હિંમતનગર સિવિલ પોલીસ ચોકીમાં જાણ કરી હતી. આ અંગે બી’ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories