/connect-gujarat/media/post_banners/59d8f61313b261e6b82f1fd57aa7af6fa63427078a71dcb54995758c0bea6a10.jpg)
ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગર અને સિહોરની દીકરીઓ મોતને ભેટતા સમગ્ર પંથકમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે.
કેદારનાથથી લગભગ 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં 7 લોકો મોતને ભેટ્યા છે. આ અકસ્માત થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે. આ હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 7 લોકો સવાર હતા, જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું, ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું. હેલિકોપ્ટર જમીન પર પડતાં જ આગની લપેટમાં આવી ગયું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જેમાં મહારાષ્ટ્રના રહેવાસી પાઇલોટ અનિલસિંહ, તમિલનાડુના રહેવાસી પ્રેમકુમાર, કાલા અને સુજાતા, જ્યારે ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનું પણ મોત નીપજ્યું છે. ભાવનગરની યુવતીઓ કેદારનાથ ભગવાન શિવજીના દર્શન માટે ગઈ હતી, અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરાવી હતી. યુવતીઓ દર્શન કરી પરત ફરી રહી હતી, ત્યારે કેદારનાથથી 2 કિલોમીટર દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં ભાવનગર શહેરના દેસાઈ નગરની રહેવાસી ઉર્વી બારડ અને કૃતિ બારડ સહિત સિહોરની રહેવાસી પૂર્વા રામાનુજનું અકાળે મોત થયું છે. કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 દીકરીઓના થયેલા મોતમાં 2 પિતરાઈ બહેનો હતી, જ્યારે એક દીકરીનો તો આજે જન્મદિવસ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ, ભાવનગરમાં રહેતા યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે.