સુરેન્દ્રનગર : ચોટીલામાં 30મી ડિસેમ્બરે ડુંગર પર રાજ્યકક્ષાની સ્પર્ધાને લઇ યાત્રાળુઓ માટે 4 કલાક પ્રવેશબંધી

30મી ડિસેમ્બર 2025ના રોજ સવારે 6:00થી 10:00 વાગ્યા સુધી ચોટીલા પર્વતની સીડીઓ પર સામાન્ય નાગરિકો અને યાત્રાળુઓની અવર-જવર પર સંપૂર્ણ મનાઈ રહેશે

New Update
Chotila

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આગામી 30મી ડિસેમ્બરના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધાના સુચારુ સંચાલન અને સુરક્ષાના હેતુથી 30મી ડિસેમ્બરે સવારે 4 કલાક માટે યાત્રાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. ઓઝા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, 30મી ડિસેમ્બર 2025ના રોજ સવારે 6:00થી 10:00 વાગ્યા સુધી ચોટીલા પર્વતની સીડીઓ પર સામાન્ય નાગરિકો અને યાત્રાળુઓની અવર-જવર પર સંપૂર્ણ મનાઈ રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરો જ પર્વતની સીડીઓનો ઉપયોગ કરી શકશે.

ચોટીલા ડુંગર પર દરરોજ હજારો યાત્રાળુઓ આવતા હોય છે. સ્પર્ધા દરમિયાન ભીડને કારણે સ્પર્ધકોની ઝડપમાં અવરોધ ન આવે તે માટે આ નિર્ણય લેવાયો છે. ડુંગરની સીડીઓ સાંકડી હોવાથી રમતવીરોની દોડ દરમિયાન સામાન્ય લોકો સાથે ટકરાવ કે ધક્કામુક્કી જેવી ઘટનાઓ ન બને અને જાનહાનિ નિવારી શકાય તે માટે 4 કલાકનો પ્રતિબંધ આવશ્યક ગણાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ સ્પર્ધાના સમયને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરેજેથી કોઈ અસુવિધા ન થાય અને રાજ્યકક્ષાની આ સ્પર્ધા નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે.

#Chotila Dungar #Chotila #આરોહણ-અવરોહણ સ્પર્ધા #Yatradham Chotila #Chotila Mandir
Latest Stories