/connect-gujarat/media/post_banners/28ebde28036059b50ecfc1bee446273b8e4a70746efd8254ddedec20bfd684ba.jpg)
ભવ્ય બંગલો, ચમકદાર કાર, બ્રાન્ડેડ કપડાં અને વૈભવી ઠાઠમાઠ.'ધારાસભ્ય' નામનો શબ્દ સાંભળો એટલે તમારી આંખ સામે આ વસ્તુઓ તરી જ આવે. પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોટા ભાગના નેતાઓ તેની સાત પેઢી ખાય તોય ન ખૂટે એટલી સંપત્તિ ભેગી કરી લેતા હોય છે. એટલું જ નહીં, આજના સમયમાં સામાન્ય સરપંચ પણ લાખો રૂપિયાની કમાણી કરી લે છે ત્યારે આજે એક એવા નેતાની વાત કરીશું, જેમને બે ટંક ખાવાનાં પણ ફાંફાં છે.
ગમે ત્યારે તૂટી પડે એવું કાચું ઝૂંપડું, ખખડધજ ખાટલો, હાથમાં લાકડીના ટેકે માંડ માંડ ચાલી શકતા 82 વર્ષીય જેઠાભાઈ રાઠોડ વિશે વાંચીને તમને સિસ્ટમ પર ગુસ્સો આવશે. આજે ગુજરાતના એક એવા પૂર્વ ધારાસભ્યની જિંદગી દેખાડીશું, જેઓ ગરીબો કરતાં પણ બદતર હાલતમાં જીવે છે. જેઠાભાઈ રાઠોડને આજના સમયમાં ભાગ્યે જ કોઈ ઓળખતું હશે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે કોંગ્રેસનો જ્યારે ડંકો વાગતો હતો એ સમયે તેમણે વિધાનસભા ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષ તરફી ઊભા રહીને કોંગ્રેસના ધુંરધર ઉમેદવાર એમ એસ ડાભીને 9,392 મતની લીડથી હરાવ્યા હતા. જોકે બીજા નેતાની જેમ તેમણે 'ભેગું' કરવાના બદલે સમાજસેવા પર વધુ ધ્યાન આપ્યું હતું. આવાસયોજનાથી વંચિત ગરીબી રેખા નીચે આવતા હોવા છતાં આ ગરીબ ધારાસભ્યોને આજ સુધી ઇન્દિરા આવાસયોજના કે સરદાર પટેલ આવાસયોજનાનો લાભ મળ્યો નથી. ગુજરાત વિધાનસભામાં 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઇ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર બીપીએલ રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બની રહ્યા છે. એ સમયે જેઠાભાઇ રાઠોડે સાઇકલ પ્રવાસ કરી પ્રચાર કરવા જતા હતા તેમજ ગાંધીનગર જવું હોય તો એસટી બસનો ઉપયોગ કરતા હતા. જેઠાભાઈ રાઠોડે ઘણાં પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા. તેમણે દુષ્કાળના સમયે તળાવ તેમજ રસ્તાનાં કામને પ્રાધાન્ય આપ્યું હતું અને 30 જેટલા તળાવ બનાવ્યા હતા, જેને લોકો આજે પણ યાદ રાખે છે.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ટેબડા ગામ પરિવાર સાથે રહેતા જેઠાભાઈ રાઠોડ વારસામાં મળેલા ઝૂંપડા જેવા ઘરમાં રહે છે. તેમના પાંચ દીકરા અને પુત્રવધૂઓ મજૂરી અને ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. જેઠાભાઈ રાઠોડે ચાર દીકરીને માંડ માંડ સાસરિયે વળાવી છે. આજે પાંચેય દીકરાઓનાં ઘરે પણ છોકરાઓ છે. બધા લોકો તેમને દારુણ સ્થિતિમાં જોઈ રહ્યા છે. સાંજ પડે અને કામ મળે તો ઘરમાં બે ટંકનુ ભોજન બને તો ભગવાવનો આભાર માને છે.