ભેટાળી પે-સેન્ટર શાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી
પ્રાથમિક શાળામાં ચંદ્રયાનની પ્રતિકૃતિ કરાઈ સ્થાપિત
ભેટાળી શાળાના શિક્ષકોનું વિદ્યાર્થીઓ પ્રત્યે ઉમદા કાર્ય
સ્વખર્ચે રૂ.1.50 લાખના ખર્ચે ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ કરી સ્થાપિત
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચી વધારવાનો શિક્ષકનો પ્રયાસ
ગીર સોમનાથ જિલ્લાના ભેટાળી ગામની સરકારી શાળાના શિક્ષકે છેવાડાના ગામ સુધી ભારતની અવકાશી સિદ્ધિ પહોંચાડી છે.શિક્ષકે શાળામાં ચંદ્રયાન -3ની પ્રતિકૃતિ સ્થાપિત કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે.
આજે ૫-મી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે ગીરનાં ભેટાળી ગામની નાનકડી શાળાના અદના શિક્ષકે ચંદ્રયાન-3ની અદ્દલ પ્રતિકૃતિ તૈયાર કરાવી શાળાના પ્રાંગણમાં મુકતા વિજ્ઞાન પ્રત્યેની પોતાની લાગણી ઉજાગર કરી છે. તો સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચી વધે અને ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોની મહેનતથી અવગત થાય તેવા આશયથી શાળાના જ શિક્ષકે અન્ય શિક્ષકોના યોગદાન વડે આવું ભગીરથ કાર્ય પૂર્ણ કરી ખરા અર્થમાં શિક્ષક દિનની ઉજવણી કરી છે.
ધાર્મિક અને નીતિશાસ્ત્ર સાથે સંકળાયેલા ચાણક્યએ પણ શિક્ષકની સમર્થતાને ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ.’ કહીને બીરદાવી છે.ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિની અને આ સિદ્ધિ ક્યાં સુધી પહોંચી છે,તેની આ ગૌરવપૂર્ણ ઘટના છે.ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળથી 35 કિલોમીટર દૂર આવેલા ભેટાળી ગામની શાળાનાં શિક્ષકોએ રૂપિયા 1.50 લાખના પોતાના યોગદાન થકી ચંદ્રયાન-3ની 15 ફૂટ ઊંચી પ્રતિકૃતિ શાળામાં સ્થાપિત કરીને ભારતીય અવકાશીય સિદ્ધિના ગુણગાન કરવા સાથે શાળાના વિદ્યાર્થીઓમાં પણ અવકાશ પ્રત્યેની જિજ્ઞાસાને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે.
આ અંગે ભેટાળી પે-સેન્ટર શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ અનિલ પંપાણિયાએ જણાવ્યું કે, આ પ્રતિકૃતિ મૂકવા પાછળનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓ ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી અવગત થાય તે ઉપરાંત શિક્ષક,એન્જિનિયર, ડોક્ટર સિવાય પણ અસીમિત ક્ષિતિજો છે, તેનાથી જાણકાર બને તે પણ હતો. પોતાના ખિસ્સામાંથી શિક્ષકોએ આ માટે યોગદાન આપીને વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની લાગણી દર્શાવીને ‘શિક્ષક દિન’ને હકીકતમાં સાકાર કરવાનું કાર્ય કર્યું છે.