/connect-gujarat/media/post_banners/2a1c4591df1e3e78be4ab30346c50a903e0d8ba720e44b62f0e28e5413e4f593.webp)
અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં ગેસના બાટલા ભરેલી ટ્રકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા માતા-પિતા અને 2 બાળકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. કોઈપણ વાહનોની તેજ રફતારના કારણે અન્ય નિર્દોષ વાહન ચાલકોના ભોગ લેવાતા હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ શહેરના ગાબટ રોડ પર બાઇક પર જઇ રહેલા શ્રમજીવી પરિવારને ગફલત ભરી રીતે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કચડી નાખતાં શ્રમિક તેની પત્ની અને બે બાળકો સહિત 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજતા પંથકમાં ગમગીની ફેલાય હતી.
બનાવના પગલે લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઊમટ્યા હતા. બનાવની જાણ થતાં જ બાયડ પોલીસે સ્થળે પહોંચી અકસ્માત અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 24 વર્ષીય જસૂ નાયક અને તેની પત્ની અને 2 બાળકો સાથે બાઇક નંબર GJ-09-CS-4621 લઈને પોતાના કામકાજ અર્થે નીકળ્યા હતા, ત્યારે બાયડના પોલીસ સ્ટેશન પાસે ગાબટ ત્રણ રસ્તા પર સામેથી આવી રહેલી ઇન્ડિયન ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક નં. GJ-09-CY-9102ના ચાલકે પુરપાટ ઝડપે આવી બાઇક સવાર પરીવારને અડફેટે લીધો હતો. જેથી બાઇક સવાર પતિ-પત્ની અને 2 દીકરાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તમામ મૃતકો જવાનપુરા ગામના વતની હોવાની માહિતી પોલીસ તપાસ સામે આવી છે.