મધ્યપ્રદેશથી દાહોદ લગ્ન કરીને પરત ફરતી જાનમાંથી દુલ્હનનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ મામલે જાનૈયાઓએ દાહોદ પોલીસના ચોપડે ફરિયાદ નોંધાવી છે.
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી આ ઘટનામાં રોહિત નામનો વરરાજા જાન લઈને મધ્યપ્રદેશની યુવતી સાથે પરણવા પહોચ્યો હતો. જે ઘરમાં આજે ખુશીનો માહોલ હોવો જોઈએ, ત્યાં માયૂસી છવાઈ ગઈ છે. સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સા ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ ગઈકાલે રાતની આ ઘટના દાહોદમાં જોવા મળી હતી. જે ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાલાપાડા ગામે ગઈ હતી. બાઈક પર આવેલા અજાણ શખ્સોએ બોરડી પાસે જાનને રોકી કન્યાને ઉપાડી ગયા હોવાની ઘટના બની છે. માર્ગ પર અધવચ્ચે જ 20થી 25 લોકોનું ટોળું બાઈક પર ધસી આવ્યું હતું. વરરાજાની ગાડીને ઓવરટેક કરી ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. બંદૂક બતાવીને 2થી 3 લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી હતી. જે બાદ અજાણ્યા શખ્સોએ દરવાજો ખોલીને દુલ્હન ઉષાને ઢસડીને બાઈક પર બેસાડી દીધી હતી. જોકે, કન્યાનું અપહરણ ક્યાં કારણોસર થયુ છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. કન્યાના અપહરણની ઘટનાના પગલે પોલીસ સ્થળ તપાસ કરી વધુ કાર્યવાહીને આગળ ધપાવી છે. પરંતુ આ પ્રકારની ઘટના બનતા જાનમાં ગયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.