/connect-gujarat/media/post_banners/6d4872f6d7b8903668b007ffcb4fb3396fac2920c5842531eeff474887ee52f4.webp)
વિરમગામથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હાર્દિક પટેલે વિધાનસભાગૃહમાં આડકતરી રીતે સ્વીકાર્યું કે અનામત અંગેનો કાયદો લાવવા માટે ચલાવેલું આંદોલન અણસમજમાં થયું હતું. માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત બનાવવાના વિધેયક પર બોલતા હાર્દિકને હવે બ્રહ્મજ્ઞાન લાદ્યું હોય એમ જણાવ્યું કે રસ્તા પર જ્યારે કાયદો લાવવા માટે લડત ચલાવતો હતો ત્યારે એટલી સમજ ન હતી કે કાયદો બનાવવો એ કોઈ સરળ કામ નથી.હાર્દિકે કહ્યું હતું કે આંદોલન વખતે લાગતું હતું કે કાયદો સરળતાથી બની જાય છે, પણ આજે ગૃહમાં બેસીને ચર્ચાઓ સાંભળું છું ત્યારે ખ્યાલ આવ્યો કે સરકાર માટે કાયદો બનાવવો કેટલું કપરું કામ છે. હાર્દિકે પોતાના પ્રવચનમાં ગુજરાતના દિગ્ગજોને યાદ કર્યા હતા. જોકે હાર્દિક જે વિધેયક પર બોલી રહ્યા હતા એ વિધેયક જ દરેક પક્ષના સમર્થન સાથે સરળતાથી ગૃહમાંથી પસાર થઇ ગયું હતું. હાર્દિકે આંદોલનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે એ વખતે ખ્યાલ નહોતો, એ આંદોલનમાં થયેલા સંઘર્ષને કારણે બનેલા અલગ-અલગ બનાવોમાં 14 પાટીદાર યુવાનનાં મૃત્યુ થયાં હતાં. હાર્દિકે છેડેલું આંદોલન આગની જેમ સમગ્ર ગુજરાતમાં ફેલાયું હતું અને એ પછી યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એને કારણે સર્જાયેલા રાજકીય દબાણને કારણે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાજીનામું પણ આપવું પડ્યું હતું.