પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર હનુમાનજી દર્શનનો વિશેષ દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભાવિકો દિવ્ય શૃંગાર આરતીના દર્શન કરી ધન્ય બન્યા હતા.
અયોધ્યામાં ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, અને આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય અને ઐતિહાસિક મહોત્સવ ઉજવાય રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત એવા હનુમાનજીની પણ ભાવિકો આરાધના કરી રહ્યા છે. તેવામાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ગત શનિવારના રોજ હનુમાનજી દર્શનનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી કૃણાલ કાપડિયા સહિતના પુજારીગણ દ્વારા સિંદૂર સહિતની સામગ્રીનો ઉપયોગ કરી મહાદેવજીની શિવલિંગને હનુમાનજીની દિવ્ય અને અલૌકિક કલાકૃતિ સાથે કંડારવામાં આવ્યા હતા. આ સાથે જ સંધ્યા આરતીએ સોમનાથ મહાદેવના હનુમાનજી મહારાજના દિવ્ય અને અલૌકિક શૃંગાર આરતી દર્શન કરી ભાવિકો અભિભૂત બન્યા હતા.