અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ-22 ઈવેન્ટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ઈન્ડિયન એરફોર્સના સહયોગથી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ભારતીય વાયુસેનાના એર માર્શલ વિક્રમસિંહ અને નિરમા યુનિવર્સિટીના પ્રમુખ ડો. કરશન પટેલના હસ્તે કરવામાં આવશે.
નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તા. 12 અને 13 ઓક્ટોબર, 2022ના રોજ વાર્ષિક ઇવેન્ટ પ્રવેગ-22 નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા નિરમા યુનિવર્સિટીના કેમ્પસમાં અદ્યતન શસ્ત્રો અને આર્ટિલરીનું પ્રદર્શન યોજાશે. આ સાથે ઈન્ડિયન એરફોર્સ દ્વારા ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વ્હીકલ પણ મુકવામાં આવશે. જેમાં વિવિધ એરક્રાફ્ટ સિમ્યુલેટર ઉપલબ્ધ હશે. આ સાથે અન્ય અતિથિ વક્તા પણ જોડાશે. જેમાં લેફ્ટનન્ટ જનરલ આસિત મિસ્ત્રી ગ્રીડ બોટ્સ ટેકનોલોજી પ્રા.લિ.ના ફાઉન્ડર પુલકિત ગૌર, ગુજરાતી મુવીના પ્રોડ્યુસર અને ડિરેક્ટર તથા સિનેમન પ્રોડક્શનના અભિષેક જૈન, ફાઈનાન્સ ગુરુ અને યુટ્યુબ સેન્સેશન અનંત લાધા તેમની વાણીનો લાભ આપશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર અને કેટલાક તાલીમ માટેના મોડેલ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તથા અલગ અલગ મશીન, જુદા જુદા ડ્રોન તેમજ ડિફેન્સમાં ઉપયોગમાં લઇ શકાય તેવા સાધનો પણ રજૂ કરવામાં આવશે. આ માધ્યમ દ્વારા નવા સ્ટાર્ટ અપ ઉદ્યોગ સાહસિકોને DRDOમાં ઉપયોગી થવા માટે નવી તક આપવામાં આવશે. આ પ્રદર્શનમાં લોકો બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ઈન્ડિયન એરફોર્સ બધા માટે ખુલ્લું રહેશે, તથા તેની મુલાકાત પણ લઈ શકશે. મેગા કોલેજ ફેસ્ટના આ 2 દિવસ દરમિયાન ઘણી ટેકનિકલ અને નોન-ટેકનિકલ ઈવેન્ટ્સ, ટેકનિકલ વર્કશોપ અને કલ્ચરલ નાઈટનું આયોજન કરવામાં આવશે.