Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: આવતીકાલથી રાજ્યના તમામ મંદિરો થશે અનલોક,ભક્તો નિયમો સાથે ભગવાનના કરી શકશે દર્શન

રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સરકાર દ્વારા નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી છે જે મુજબ આવતી કાલથી રાજ્યના મોટાભાગના તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે જો કે કોવિડ-19ની ગાઈડ લાઇનના પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે.

X

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો તેથી રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા પણ હવે કોરોના સ્થિતિ કાબૂમાં આવતા કોવિડ 19 ની ગાઈડ લાઈન સાથે આવતીકાલથી તારીખ 11 થી આ ધાર્મિક સ્થળ અને મંદિરો ભક્તો માટે ખુલશે જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.

સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ 11મીથી ખુલી જશે. રાજ્ય નું મોટું દેવસ્થાન અંબાજી મંદિર 57 દિવસ બાદ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.

જ્યારે પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાના ચામંડુા માતાજીનું મંદિર પણ 11 જૂનથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે સવાર સાંજની આરતી માં પણ ભક્તોને પ્રવેશ નહિ મળે. કચ્છમાં પણ માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે. ભાવનગરના ખોડીયાર મંદિર 11મીથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15 મી પછી ખુલશે.

વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલશે આમ રાજ્યના મોટાભાગના તમામ મંદિરો આવતીકાલથી ખુલશે અને ભક્તો દર્શન નો લાભ લઇ શકશે વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર મંદિરના દ્વાર પણ ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવનાર છે સાળંગપુર મંદિરમાં ભક્તો હવે 11 જૂનથી દર્શન કરી શકશે તેમા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

Next Story