છેલ્લાં બે વર્ષથી કોરોનાએ આપેલી દસ્તકના કારણે ૩૧ ડિસેમ્બરની ઉજવણી પર ગ્રહણ લાગી ગયું હતું, જોકે હવે આ ગ્રહણ નો અંત આવતા ધૂમધડાકા સાથે નવા વર્ષ ને આવકારવા માટે યુવાઓ થનગનાટ કરી રહ્યાં છે. એમડી ડ્રગ્સ, હુક્કા પાર્ટી, દારૂની મહેફિલની કિક સાથે 31 ડિસેમ્બરની ઉજવણી થશે. યુવાઓની રેવ પાર્ટીમાં ભંગ પાડવા માટે અમદાવાદ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સી એલર્ટ મોડ પર આવી ગઈ છે.
નશાની પાર્ટીને રોકવા માટે શહેર પોલીસ માઇક્રો લેવલે પ્લાનિંગ કરી રહી છે.શહેરમાં એમડી ડ્રગ્સની બોલબાલા વધી ગઈ છે, જેને રોકવા માટે પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે. સાંજ પડે એટલે યુવાઓ ઠાઠમાઠથી તૈયાર થઈને સિંધુ ભવન રોડ અને એસ જી હાઇવે પર નીકળી પડે છે. ત્યારબાદ એમડી ડ્રગ્સનો નશો કરે છે. શહેરના સૌથી વધુ પોશ વિસ્તારમાં એમડી ડ્રગ્સ તેમજ નશો કરતા યુવાઓ વધુ છે, જે આગામી દિવસોમાં પેડલર્સ બની જશે.
૩૧ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવા પાર્ટી કરવાનું આયોજન કરી દીધું છે. ડ્રગ્સ માફિયાઓએ એમડીનો જથ્થો સુરિક્ષત જગ્યાએ મૂકી દીધો છે અને તેને ડબલ ભાવમાં નવા વર્ષે વેચવાની તૈયારી કરી દીધી છે ત્યારે બુટલેગરે પણ મોંઘી દારૂની બોટલ નો સ્ટોક કરી દીધો છે. યુવાઓ નવા વર્ષને આવકાર વા માટે નવી નવી પાર્ટીઓનું આયોજન કરી રહ્યાં છે, જેમાં કેટલીક જગ્યાએ ડીજે પાર્ટીનું પણ આયોજન થવાનું છે.
ડીજે પાર્ટી, રેવ પાર્ટીમાં યુવાઓ એમડી ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરીને આવે તેવી શક્યતા છે, જેથી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ સિવાય અમદાવાદ અને તેની આસપાસ આવેલાં ફાર્મ હાઉસનું લિસ્ટ પોલીસે તૈયાર કર્યું છે, જેમાં હાઇ પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન થવાનું છે. શહેરમાં કેટલી પાર્ટીનું આયોજન થવાનું છે તેની આંકડાકીય માહિતી હજુ સુધી સામે નથી આવી, પરંતુ સિંધુ ભવન રોડ પર સૌથી વધુ પાર્ટીઓનું આયોજન કરવામાં આવશે. યુવાઓના પ્લાન પર પાણી ફેરવી દેવા માટે પોલીસ મજ સુરક્ષા એજન્સીઓ તત્પર છે.