અમરેલી જીલ્લામાં ધીરાણ ભરી જવા નોટિસ મળ્યા બાદ ધારીના છતડીયાના ખેડૂતે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અમરેલીના ધારી તાલુકાના છતડીયા ગામના ખેડૂતે બેંકમાથી ધિરાણ લીધુ હોય આ ધિરાણ ભરી જવા નોટીસ મળ્યાં બાદ ગઇરાત્રે ખેડૂતે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. ખેડૂતના આપઘાતની આ ઘટના ધારી તાલુકાના છતડીયા ગામે બની હતી. જયાં બાલુભાઇ ઓધવજીભાઇ રવોદરા (ઉ.વ.50) નામના આધેડે પોતાના ઘરમા છતની હુક સાથે સાડી વડે ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી લીધી હતી. ગઇરાત્રે તેઓ પોતાના રૂમમા સુવા માટે ગયા હતા અને સવારે તેમનો મૃતદેહ લટકતી હાલતમા મળી આવ્યો હતો।ખેડૂતના ખીસ્સામાથી બેંકનુ ધિરાણ ભરી જવાની નોટીસ નીકળી હતી. તેઓ ગામમા ત્રણ વિઘા જમીન ધરાવે છે. જે ભરી દેવા માટે બેંક દ્વારા અવારનવાર નોટીસ મળતી હતી. તેમના પુત્રએ જણાવ્યું હતુ કે બેંક દ્વારા વારંવાર નોટીસ આવતી હોય તેના પિતાએ આ પગલુ ભર્યુ હતુ.આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.