Connect Gujarat
ગુજરાત

અમરેલી : આદસંગ ગામે વેરહાઉસના બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી, સરપંચે ખેલ ઉઘાડો પાડ્યો...

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આદસંગ ગામ... આદસંગ ગામના પાદરમાં રૂપિયા 1 કરોડ 65 લાખના ખર્ચે વેરહાઉસના નિર્માણની કામગીરી ચાલી રહી છે

X

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી ખેત પેદાશોને સાચવવા માટે વેરહાઉસ નિર્માણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આદસંગ નજીક વેરહાઉસના કામમાં લોટ પાણીને લાકડા થતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આદસંગ ગામ... આદસંગ ગામના પાદરમાં રૂપિયા 1 કરોડ 65 લાખના ખર્ચે વેરહાઉસના નિર્માણની કામગીરી ચાલી રહી છે. આશરે 5 જેટલા બનતા નવા વેરહાઉસમાં કોન્ટ્રાક્ટરોની મેલી મુરાદના કારણે ઈંટોના બદલે બેલાઓ મુકી વ્યાપકપણે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો અને રેતીની જગ્યાએ કાળી કપચીનો પાવડર વાપરવામાં આવી રહ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે સરકારના વિકાસનું આંધણ આદસંગ ગામે કોન્ટ્રાક્ટરો કરી રહ્યા હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે. વેરહાઉસની હાઈટને પણ ઈટો પર ઉભી કરવામાં આવતી હોય છે, જેની જગ્યાએ પ્લાન એસ્ટીમેટના નીતિ નિયમોને ધોળીને પી જતા કોન્ટ્રાક્ટરો મસમોટા બેલાઓ વાપરી રહ્યા છે, ત્યારે આ મામલે સ્થાનિકો અને સરપંચોએ લેખિતમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવા છતાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામતા વેરહાઉસમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સામે આવી છે. હજી પણ આ કામગીરીમાં લોલમલોલ ચાલતી હોવાથી સ્થાનિકો અને સરપંચમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જોકે, રાજ્ય સરકાર વિકાસના કામ માટે કરોડો રૂપિયા ફાળવી રહી હોય, પરંતુ મેલી મુરાદ ધરાવતા કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આ સાથે જ કોઈપણ વ્યક્તિ જોઈ ન જાય તે રીતે રાત્રિના સમયે પણ બાંધકામની કામગીરી કરવામાં આવતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. સરકારી નિયમ મુજબ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની હાજરીમાં વેરહાઉસ બનાવવાની એસ્ટીમેટમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં પણ તમામ નિયમોનો ઉલાળીયો કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે, જ્યારે બનતા વેરહાઉસમાં સાઈટ મેનેજર હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ અને નબળી કામગીરી થતી હોવાનો સ્વીકાર કરીને કામગીરી બંધ કરાવવાની પણ વાત કરી હતી.

Next Story