ગુજરાતમાં વિધાનસભા-2022ની ચૂંટણીની દરવાજે દસ્તક હોય, ત્યારે અમરેલી જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં બોલો સરકાર-2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર-2022ના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાઢીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં પૂર્વ કૃષિમંત્રી ધીરુ દૂધવાળા, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય અંબરીશ ડેર, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુઘાત અને પૂંજા વંશની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમ્યાન કોંગી આગેવાનોએ ખેડૂતોથી લઈને હાલ રખડતા પશુ અને આરોગ્ય, શિક્ષણ, પેપર કૌભાંડ સહિતના મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. કોંગી નેતાઓએ રાજ્ય સરકાર સામે બળાપો વ્યક્ત કરી આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પીઢ કોંગી નેતાઓએ હાજર કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ખેડૂતોને મફત વીજળી, જમીન માપણી અને પશુપાલકોને કોંગ્રેસની ભેટ અગાઉના મેન્યુફેસ્ટોમાં અપાયા બાદ, નવા 150 જેટલા સૂચનો કોંગી કાર્યકર્તાઓ પાસેથી મેળવીને આગામી દિવસોમાં 27 વર્ષની ભાજપ સરકારના કુશાશનમાંથી ગુજરાતને મુક્ત કરવાની વાત કરી હતી. તો આમ આદમી પાર્ટીને કોંગી નેતા અર્જુન મોઢવાઢીયાએ ભાજપની બી' ટીમ પણ ગણાવી હતી. આ સાથે જ બેરોજગારી અને મોંઘવારી સામે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે આગામી 10 તારીખે બંધનું એલાન રાખવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.