/connect-gujarat/media/post_banners/5dfd543247744465c04ee79009be6acefc6f5ee663d95adbdd953d8508f94143.jpg)
અમરેલી જિલ્લાના બજારોમાં ફરી એકવાર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો છે, ત્યારે બાબરા શહેરની ગઢવાળી ગલીમાં 2 આખલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લામાં દિવસેને દિવસે રસ્તે રઝળતા ઢોરનો આતંક વધી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. જોકે, પાલિકા દ્વારા રસ્તે રખડતાં ઢોરને પકડી તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ ઢોરને છુટ્ટો દોર મળી જતાં જાહેર માર્ગો પર અંદરોઅંદર યુદ્ધ કરતા રાહદારી સહિત અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બાબરા શહેરમાં 50થી વધુ આખલાઓ રસ્તે રઝળતા જોવા મળે છે. આખલાઓ પોતાના વર્ચસ્વનું યુદ્ધ કરી અવારનવાર આતંક પણ મચાવી રહ્યા છે, ત્યારે બાબરાની ગઢવાળી ગલી વિસ્તારમાં બે આંખલાના યુદ્ધની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આપ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, એક સાંકડી ગલીમાં બન્ને આખલા કેવા બરાબર બાખડ્યા છે. બન્ને આખલાઓએ ઘમાસાણ મચાવી અનેક વાહનોને અડફેટે લઈ નુકશાન પહોચાડ્યું હતું, ત્યારે જાહેર માર્ગો ઉપર છાસવારે થતું આખલા યુદ્ધ લોકોને ભયભીત બનાવી રહ્યું છે. જોકે, હવે ખુંટીયાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.